શિક્ષણ સાથે સેવાનો સંગમ: સમીરભાઈ દતાણીની પ્રેરણાદાયી વાત

 શિક્ષણ સાથે સેવાનો સંગમ: સમીરભાઈ દતાણીની પ્રેરણાદાયી વાત

“શિક્ષક કદી સામાન્ય ન હોય,” ચાણક્યનું આ વાક્ય જૂનાગઢના જલંધર પ્રાથમિક શાળાના આચાર્ય સમીરભાઈ દતાણી પર એકદમ સાચું ઉતરે છે. સમીરભાઈ માત્ર શિક્ષક જ નથી, પણ સમાજના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત એક સંવેદનશીલ વ્યક્તિ છે. તેઓ શિક્ષણની સાથે માનવતાની ભાવના જગાડતા, અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં પરિવર્તન લાવી રહ્યા છે.

સમીરભાઈ દરરોજ સાંજે જૂનાગઢના પછાત અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં 100થી 150 લોકોને ભોજન પૂરું પાડે છે. આ માટે દર મહિને એકથી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં જૂનાગઢના લોકો નાણાકીય સહયોગ આપે છે. જન્મદિવસ, વર્ષગાંઠ કે પુણ્યતિથિ જેવા પ્રસંગે લોકો ખુશીથી સહયોગ આપે છે, જેના કારણે આ કાર્ય અવિરત ચાલે છે. સમીરભાઈએ ‘ગિરનારી ગ્રૂપ’ નામે 100 સભ્યોનું જૂથ બનાવ્યું છે, જેમાં રોટેશનથી રસોઈનું કામ જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવે છે, જેથી તેમનું ગુજરાન પણ ચાલે.

આ ઉપરાંત, સમીરભાઈ રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ, ગૌમાતાની સેવા, અને બાળકો માટે ‘પુસ્તક પરબ’ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજસેવામાં યોગદાન આપે છે. તેમણે 11 વખત રક્તદાન કર્યું છે અને તેમના ગ્રૂપ દ્વારા હોસ્પિટલોમાં ઝડપથી લોહીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. કોરોનાકાળમાં પણ તેમણે હોસ્પિટલોમાં ભોજન અને મદદ પૂરી પાડી હતી.

સમીરભાઈ કહે છે, “હું વ્યવસાયથી અને હૃદયથી શિક્ષક છું.” તેમના માતા અને દાદીએ પણ 12 વર્ષ સુધી અન્નક્ષેત્રમાં સેવા આપી હતી, જેનાથી પ્રેરાઈને તેમણે આ કાર્ય શરૂ કર્યું. સમીરભાઈની આ સેવાભાવના સમાજ માટે એક ઉજ્જવળ ઉદાહરણ છે, જે બતાવે છે કે શિક્ષણ અને સેવા સાથે મળીને સમાજને નવી દિશા આપી શકે છે.

Comments